હર્ષ સંઘવીએ નીતિનભાઈને જાહેરમાં જવાબ આપ્યો, નીતિન પટેલે કહ્યું હતું કે અહીં તકો નથી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા-ગુજરાતમાં સૌથી વધુ તકો છે.
કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યનાં મોત થઈ ગયાં હતાં. આ મામલે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ રાજનેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપી પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. 1995થી લઈ અત્યારસુધીમાં સત્તામાં રહ્યા બાદ પોતે અહીં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. જોકે 40 વર્ષથી ભાજપમાં રહેલા નીતિન પટેલના નિવેદન સામે 37 વર્ષના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં તકોની વાત કરીએ તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે.
હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે, બે નંબરી રીતે બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સૌકોઈને ચેતવણી આપું છું. આગામી દિવસોમાં ખૂબ મોટી કામગીરી કરવાની દિશામાં જઈ રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા પણ આવા લેભાગુ એજન્ટો પર કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં ગુજરાત પોલીસ આ બાબતે મહત્ત્વની જાહેરાત પણ કરશે.
સૌથી વધુ રોજગારી ગુજરાત આપે છે
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં તકોની વાત કરીએ તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પૂરી પાડી રહી છે. આમાં પણ કોઈ ફેરફાર કરવા હોય તો એ સૂચનો આવકાર્ય છે. ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈપણ બીજા રાજ્યની ગુજરાત અને ગુજરાતીઓ સાથે તુલના કરીએ તો ગુજરાત સૌથી વધુ તક આપનારું રાજ્ય છે.
અહીં તક નથી, મહેનત કર્યા પછી પણ સ્થાન મળતું નથીઃ નીતિન પટેલ
રાજ્યમાં 1995થી ભાજપની સત્તા છે. નીતિનભાઈ પોતે પણ 20 વર્ષ મંત્રીપદે રહ્યા બાદ હવે તેમને ડહાપણની દાઢ ફૂટી હતી. તેમણે સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અહીં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યા પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાંય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.
આ કરુણ બનાવ કેમ બન્યોઃ નીતિનભાઈ
તેમણે વધુમાં કહ્યું હતું કે બીજું બધું નહીં બોલું, અહીં મીડિયા છે. પાટીદાર સમાજનાં ચાર ભાઈ-બહેન માઇનસ 40 ડીગ્રીમાં કેનેડા બોર્ડર પર ઠૂંઠવાઈ ગયાં. આ કરુણ બનાવ કેમ બન્યો? અહીં તકો ઉપલબ્ધ થતી નથી. ભવિષ્ય ઉજ્જવળ થતું નથી, મહેનત કરવા છતાં અભ્યાસ કરવા છતાં કોઈ સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી એટલે આ બધો સંઘર્ષ કરવો પડે છે. આવી દુઃખદ ઘટના ન બને એ માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ.
0 ટિપ્પણીઓ