યુક્રેનનો દાવો- રશિયાનાં 6 એરક્રાફ્ટ તોડી પાડ્યાં; રશિયાએ કહ્યું- અમે એરબેઝ અને એર ડિફેન્સને નષ્ટ કર્યાં, ઘણાં ગામો પર કબજો કર્યો.
રશિયાએ ગુરુવારે સવારે 5 વાગ્યે યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નેશનલ ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી હતી. પુતિને ધમકીભર્યા સ્વરે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો.
રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલથી હુમલો કર્યો છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેનના લોકોને જોખમ નથી, માત્ર સૈન્ય ઠેકાણાં જ નિશાન પર છે. સામે પક્ષે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે.
રશિયાના રાષ્ટ્રપતિના યુદ્ધની જાહેરાતના આ નિવેદનની 5 મિનિટ બાદ જ યુક્રેનમાં રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા હતા. રાજધાની કિવમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યૂ મિશન પણ અટકાવવામાં આવ્યું છે. યુક્રેન ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ જોખમની ચેતવણીને કારણે પરત ફરી હતી.
યુક્રેને પણ રશિયાના આ હુમલાનો જવાબ આપ્યો છે અને યુક્રેને રશિયાનાં 6 એરક્રાફ્ટ તોડી પાડ્યાં છે. યુક્રેને કહ્યું હતું કે અમે આ હુમલાનો જવાબ આપીશું અને આ યુદ્ધ જીતીશું. આ જ સમય છે કે હવે સમગ્ર વિશ્વએ રશિયાને જવાબ આપવો જોઈએ અને તેને રોકવું જોઈએ.
યુક્રેન પર મિસાઈલ હુમલો
યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.
યુક્રેનના થર્મલ પ્લાન્ટ પર એટેક
રશિયાએ યુક્રેનના થર્મલ પ્લાન્ટ પર મોટો ધડાકો કર્યો છે. આ સાથે જ યુક્રેનના ઈબાનોમાં પણ મિસાઈલ છોડી છે.
સાઈબર એટેક
યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે તેમના દેશ પર સાઈબર એટેક પણ થઈ રહ્યા છે. આ બાજુ પુતિને કહ્યું છે કે જો કોઈ તેમની વચ્ચે પડ્યું કે અમને કે અમારા લોકોને ધમકાવવાની કોશિશ કરી તો તેમણે સમજી લેવું જોઈએ કે રશિયા તેનો તરત જવાબ આપશે. તેના પરિણામ તમારે જ ભોગવવા પડશે અને એવો જવાબ આપવામાં આવશે કે તમે ઈતિહાસમાં પહેલા ક્યારેય અનુભવ કર્યો નહીં હોય.
નાટોએ બોલાવી બેઠક
સ્થિતિની ગંભીરતા જોતા NATO એ ઈમરજન્સી બેઠક બોલાવી છે. અમેરિકા પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે રશિયાના હુમલાનો જવાબ આપશે.
અધવચ્ચે પાછું ફર્યું વિમાન
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ગુરુવારે રવાના કરાયું જો કે યુક્રેનમાં રશિયાના હુમલા બાદ નો ફ્લાય ઝોન જાહેર થયો જેના કારણે એર ઈન્ડિયાના વિમાને અધવચ્ચે પાછું ફરવું પડ્યું. આ અગાઉ એર ઈન્ડિયાનું એક વિમાન વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પાછું ફર્યું હતું.
યુક્રેને દાવો કર્યો- રશિયાના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા
રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને પણ મોટો દાવો કર્યો છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે તેમણે દુશ્મન (રશિયા)ના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા છે. આ કાર્યવાહી પૂર્વ યુક્રેનમાં થઈ હોવાનું કહેવાયું છે.
રશિયાનો દાવો- એરબેસ અને સૈન્ય ઠેકાણું ઉડાવ્યું
રશિયા તરફથી દાવો કરાયો છે કે તેમણે યુક્રેનના સૈન્ય અને હવાઈ મથકને નિશાન બનાવીને તબાહ કરી નાખ્યું છે. જ્યારે બીજી બાજુ યુક્રેને પણ કડક તેવર દેખાડતા કહ્યું કે તે હાર માનશે નહીં. યુક્રેનમાં મિલેટ્રી એક્શન પર રશિયાની સેનાનું પણ નિવેદન આવ્યું છે જેમાં કહેવાયું છે કે તેમણે યુક્રેનના એરબેસ, મિલેટ્રી બેસને નિશાન બનાવ્યા છે. વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા નથી.
યુક્રેને લગાવ્યો માર્શલ લો
યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે પુતિને પૂરી રીતે આક્રમણ કરવાનું શરૂ કરી દીધુ છે. શાંતિપૂર્ણ યુક્રેન પર હુમલો થયો છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. યૂક્રેન તેમા પોતાની રક્ષા કરશે અને જીતશે. આ બધા વચ્ચે યુક્રેને પોતાના ત્યાં માર્શલ લો લાગૂ કરી દીધો છે. બગડતી સ્થિતિ વચ્ચે કીવ એરપોર્ટ ખાલી કરાવી દેવાયું છે.
રાજધાની કીવમાં ધડાકા શરૂ
ન્યૂઝ એજન્સી AFP મુજબ રશિયાની યુદ્ધની જાહેરાત બાદ યુક્રેનની રાજધાની કીવમાં ધડાકા શરૂ થયાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યુક્રેને રેડ લાઈન ક્રોસ કરી છે.
રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને કર્યા હતા અલગ
અત્રે જણાવવાનું કે અનેક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. જેને લઈને યૂરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશોને વાતચીતના સ્તરે ઉકેલ લાવવાની અપીલ કરી હતી. આ બધા વચ્ચે રશિયાએ યુક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. ત્યારબાદ યૂરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા.
રશિયાએ કહ્યું કબજાનો કોઈ ઈરાદો નથી
પ્રતિબંધ છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી AFP મુજબ રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી છે. આવામાં સમગ્ર દુનિયા આઘાતમાં સરી પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવા જણાવ્યું છે. જ્યારે પુતિનનું કહેવું છે કે રશિયાનો કબજાનો કોઈ ઈરાદો નથી.
યુક્રેનની સેના કરે સરન્ડર
રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધિત કર્યા. જેમાં કહેવામાં આવ્યું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કીવ (યૂક્રેનની રાજધાની) ના નાઝીઓના ઓર્ડર ન માનો. તમારા હથિયારો હેઠા મૂકો અને ઘરે જાઓ. આ બાજુ નાટોએ પુતિનને કહ્યું છે કે આ( સૈન્ય કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમે અમારી તરફથી તમામ નિર્ણયો લીધા છે.
પોતાની સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન મરણનો સવાલ છે. તેમણે (યુક્રેન) લાલ રેખા પાર કરી. તેઓ બોલ્યા કે યુક્રેન નિયો-નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. આથી અમે સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન શરૂ કર્યું છે.
અમેરિકાએ જણાવ્યું વિનાશકારી
રશિયાના યુક્રેન પર હુમલાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે દુનિયાની પ્રાર્થનાઓ યૂક્રેનના લોકો સાથે છે, જે રશિયન સૈનિક દળો દ્વારા અયોગ્ય હુમલાનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ પુતિને એક પૂર્વ નિયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે એક વિનાશકારી સાબિત થશે.
ભારતે કરી શાંતિની અપીલ
રશિયાની યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ બાદ ભારતે શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે બંને દેશ વાતચીત દ્વારા ઉકેલ લાવે.
0 ટિપ્પણીઓ