કુલ 690 બેઠકો છે, કુલ મતદારો 18.34 કરોડ- મહિલા મતદારો 8.55 કરોડ; 24.9 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે.
તમામ રાજકીય દળો માટે 'સુવિધા' એપ બનાવાઈ, ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
આ તમામ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ આગામી બેથી ત્રણ મહિનામાં પૂરો થશે
ચૂંટણીપંચે શનિવારે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
ચૂંટણીપંચે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફત જ ચૂંટણીપ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં.
મુખ્ય ચૂટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે દેશમાં 5 રાજ્યની 690 વિધાનસભા માટે ચૂંટણી યોજવામાં આવશે. 18.34 કરોડ મતદાતા ચૂંટણીમાં ભાગ લેશે. કોરોના વચ્ચે ચૂંટણી યોજવા માટે નવા પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. તમામ ચૂંટણીકર્મચારીઓને કોરોના વેક્સિનનો બન્ને ડોઝ લગાવાયા છે કે નહિ એ સુનિશ્ચિત કરાશે. જેમને પણ જરૂર પડશે તેમને ડોઝ આપવામાં આવશે.
5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું શિડ્યૂલ
પહેલો તબક્કો- 10 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
બીજો તબક્કો- 14 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા
ત્રીજો તબક્કો- 20 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
પાંચમો તબક્કો- 27 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, મણિપુર
છઠ્ઠો તબક્કો- 3 માર્ચ
ઉત્તરપ્રદેશ, મણિપુર
સાતમો તબક્કો- 7 માર્ચ
ઉત્તરપ્રદેશ
પરિણામ- 10 માર્ચ
પ્રેસ-કોન્ફરન્સની 5 મોટી વાત
1. કોરોના દરમિયાન ચૂંટણી પડકારજનક છે, નવા કોવિડ પ્રોટોકોલ લાગુ કરાશે.
2. કોરોના સંક્રમિત પણ મતદાન કરી શકશે, દર્દીઓને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે.
3. 16 ટકા પોલિંગ બૂથ વધારવામાં આવશે. 2.15 લાખથી વધારે પોલિંગ સ્ટેશન બનશે.
4. એક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ વોટર્સની સંખ્યા 1500થી 1250.
5. ચૂંટણી ખર્ચની સીમા વધારવામાં આવી, મોટાં રાજ્યોમાં ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
રાજકીય પક્ષ માટેની ગાઇડલાઇન્સ
1. દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
2. દરેક પક્ષે તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે.
3. ઉમેદવારે પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે.
4. યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
5. મણિપુર-ગોવામાં આ ખર્ચ સીમા 28 લાખની રહેશે.
શુક્રવારે જ વધારવામાં આવી ચૂંટણીના ખર્ચની મર્યાદા
ઈલેક્શન કમિશને શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. હવે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવાર પોતાના પાર્લમેન્ટરી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરવામાં આવેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા અને 54 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે.
આ રીતે વિધાનસભા ચૂંટણી દરમિયાન 28 લાખ રૂપિયાની જગ્યાએ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની જગ્યાએ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. કમિશને આ ખર્ચની સીમા એની એક કમિટીએ કરેલી ભલામણના આધારે વધારી છે.
વેક્સિનેટેડ લોકોને જ બૂથમાં એન્ટ્રી આપવામાં આવી શકે છે
કોરોનાની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ નહિ લગાડનારની એન્ટ્રી બંધ કરવામાં આવી શકે છે. જોકે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના માટે ગુરુવારે ઈલેક્શન કમિશન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં વધતા કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય સચિવે ઈલેક્શન કમિશનને દેશમાં કોવિડની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
0 ટિપ્પણીઓ