પત્ર અને પાર્સલથી ફેલાય છે કોરોના.ચીનના નવા દાવાએ દુનિયાને ચોંકાવી જાણો શું છે સત્ય.
ચીને રાજધાની બેઈજિંગમાં પ્રથમ ઓમિક્રોન કેસ મળ્યા પછી સનસનાટીપૂર્ણ દાવો કરીને કહ્યું છે કે તેમના દેશમાં આ નવા વેરિએન્ટની એન્ટ્રીનું કારણ વિદેશથી આવતા પત્રો અને પાર્સલ હોઈ શકે છે પરંતુ દુનિયાભરના અનેક એક્સપર્ટ ચીનના આ દાવા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે અને તેને સાયન્ટિફિકના બદલે થિયરી વધુ ગણાવી રહ્યા છે.
ચાલો જાણીએ શું પત્ર દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના? કેમ ચીનના દાવા પર ઉઠી રહ્યા છે સવાલો? કોઈ સંક્રમિત ચીજથી કેટલું રહે છે કોરોના ફેલાવાનું જોખમ?
પત્રો/પાર્સલ દ્વારા ચીન પહોંચ્યો ઓમિક્રોન?
ચીનના અનુસાર, બેઈજિંગમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી મહિલાનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે કેનેડાથી નીકળીને અમેરિકા અને હોંગકોંગ થઈને ચીન પહોંચેલા એક પેકેટને ખોલવાના કારણે જ સંક્રમિત થઈ.
ચાઈનીઝ અધિકારીઓને શંકા છે કે આ મહિલા કેનેડાથી આવેલા પત્ર કે પાર્સલ દ્વારા ઓમિક્રોનથી સંક્રમિત થઈ છે.ચીને લોકોને સાવધાન કરતા કહ્યું છે કે વિદેશોથી આવેલા પત્રો અને સામાનો દ્વારા વાયરસ તેમના સુધી પહોંચી શકે છે.
તકેદારીના ભાગરૂપે ચીને વિદેશથી આવનારા તમામ પત્રોને સેનેટાઈઝ કરવાનોઆદેશ આપ્યો છે અને આ સાથે જ પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને કોરોનાનો બૂસ્ટર ડોઝ લેવાનો નિર્દેશ આપ્યો છે.
ચીનમાં પ્રતિબંધો પછી પણ વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ.
ચીનનો આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિક યોજાવામાં થોડા જ સપ્તાહો બચ્યા છે પરંતુ ત્યાં તમામ પ્રતિબંધો અને 90% લોકોના વેક્સિનેશન પછી પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે.
બ્લૂમબર્ગના અનુસાર, ચીનના 31 પ્રાંતોમાં રાજધાની બેઈજિંગ સહિત ઓછામાં ઓછા 7 પ્રાંતોમાં ઓમિક્રોનના કેસ મળ્યા છે, જેમાંથી મોટાભાગના ચીનના મોટા શહેરો છે. આ જોઈને ચીને ફરીથી કોરોના અંગે પ્રતિબંધો વધારી દીધા છે. ચીનમાં 17 જાન્યુઆરીએ 163, 18 જાન્યુઆરીએ 127 અને 19 જાન્યુઆરીએ 66 નવા કોરોના કેસ મળ્યા છે.
ફેઈલ થઈ રહી છે ચીનની ઝીરો કોવિડ પોલિસી.
ચીને 2019માં વુહાનમાં પ્રથમવાર કોરોના કેસ મળ્યા પછીથી જ ઝીરો કોવિડ પોલિસી અપનાવી રાખી છે.
આ માટે ત્યાં અત્યંત કડક લોકડાઉન લાગુ થતા રહ્યા છે. ચીન કોઈપણ શહેરમાં કોરોના કેસ મળતા જ સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવીને સૌનું ટેસ્ટિંગ શરૂ કરી દે છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી અત્યાર સુધી કંઈ ખાસ સફળ થતી જોવા મળી નથી અને તે હજુ પણ કોરોના મુક્ત દેશ બની શક્યો નથી. રોજ સેંકડોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. દુનિયાભરના અનેક રિપોર્ટ્સ દર્શાવે છે કે કઈ રીતે ચીન દુનિયાની સામે ખુદને કોરોના મુક્ત દર્શાવવા માટે અસલી આંકડાઓ છૂપાવે રહ્યું છે.
ડેલ્ટા પછી ઓમિક્રોને પણ પણ કર્યુ ચીનમાં આગમન.
પ્રથમ ડેલ્ટા અને હવે ઓમિક્રોન વેરિએન્ટે ચીનની ઝીરો કોવિડ નીતિને કલ્પના સાબિત કરી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વર્ષે સૌપ્રથમ મેમાં ડેલ્ટાએ ચીનના પ્રતિબંધોને એકતરફ રાખીને દેશમાં એન્ટ્રી કરી લીધી હતી. હવે ડેલ્ટાથી પણ વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિએન્ટના પણ અનેક કેસ મળવાથી ચીનમાં હોબાળો મચી ગયો છે.
કેમ સાચો નથી ચીનનો પત્રો દ્વારા કોરોના ફેલાવાનો દાવો?
ટપાલ કે પત્ર દ્વારા કોરોના વાયરસ ફેલાવાના ચીનના દાવા પર અનેક એક્સપર્ટ સવાલ ઉઠાવી રહ્યા છે.
રૉયટર્સના અનુસાર, લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીનમાં મહામારી વિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ હેમેન કહે છે કે એ સ્પષ્ટ નથી કે પત્રમાં વાયરસનું જીવિત રહેવું કઈ રીતે સંભવ હશે, કેમકે એ ભેજવાળા ડ્રોપલેટ કે ટીપાંથી ફેલાય છે અને સૂકાયા પછી ચેપી રહેવાનું બંધ થઈ જાય છે.
અમેરિકન દવા કંપની ફાઈઝરના બોર્ડ મેમ્બર સ્કૉટ ગોટલિબે કહ્યું કે ચીનનો એ દાવો શક્ય લાગતો નથી અને એ વાત થિયરી વધુ જણાય છે.
WHOના અનુસાર, વાયરસ મુખ્યત્વે વ્યક્તિઓનાં નજીકના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વ્યક્તિના બોલવા, શ્વાસ લેવા કે છીંકવા તથા ખાંસવાથી વાયરસના નાના કણ કે ડ્રોપલેટ્સ નીકળે છે, જે હવામાં લાંબા સમય સુધી રહે છે. આ વાયરસના કણોને શ્વાસ દ્વારા અંદર લેનારા લોકો સંક્રમિત થઈ શકે છે.
આ ઉપરાંત વાયરસના મોટા ડ્રોપલેટ્સ આંખો, નાક કે મોંના સીધા સંપર્કમાં આવવાથી વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
WHO કહે છે કે કોઈ વ્યક્તિ જો સંક્રમિત સપાટીને સ્પર્શે પછી પોતાની આંખ, નાક કે મોંને સ્પર્શે છે તો તે પણ સંક્રમિત થઈ શકે છે. જો કે સંક્રમિત સપાટી દ્વારા કોરોના ફેલાવાની સંભાવના અત્યંત ઓછી હોય છે.
અમેરિકન હેલ્થ એજન્સી CDCના અનુસાર, મોટાભાગના મામલાઓમાં લોકો હવામાં તરતા વાયરસના ડ્રોપલેટ્સથી જ સંક્રમિત થાય છે.
લોકોને સંક્રમિત સપાટીને સ્પર્શ કરવાથી પણ ઈન્ફેક્શનનું જોખમ હોય છે પરંતુ ખૂબ ઓછું. CDC કહે છે કે મોટાભાગની સંક્રમિત સપાટી પર વાયરસનું જોખમ 72 કલાકમાં 99% સુધી ખતમ થઈ જાય છે.
ચીને કોરોનાથી મોતના આંકડા છૂપાવ્યા?
ચીન શરૂઆતથી જ દુનિયાની સામે ખુદને કોરોના મુક્ત દેશ તરીકે રજૂ કરવાની નિષ્ફળ કોશિશ કરતું આવ્યું છે.ચીને પોતાને ત્યાં કોરોનાથી મોતના આંકડાને કેવી રીતે છૂપાવ્યા છે તેની એક ઝલક ચોંકાવનારા આંકડાઓમાં જૂઓ.
ચીનના અધિકૃત આંકડાઓ અનુસાર, 20 જાન્યુઆરી 2022 સુધી ત્યાં કોરોનાથી માત્ર 4636 લોકોનાં જ મોત થયા હતા. જ્યારે અમેરિકામાં અત્યાર સુધીમાં 8 લાખ 80 હજારથી વધુ અને ભારતમાં 4 લાખ 87 હજારથી વધુ મોત નોંધાયા છે.
ફોર્બ્સે ધ ઈકોનોમિસ્ટના એક રિપોર્ટના હવાલાથી લખ્યું છે કે ચીનના કોરોનાથી મોતના આંકડા 17000% ઓછા જણાવાયા છે.
ચીને પોતાના દેશમાં કોરોનાથી થયેલા મોતના 1%થી પણ ઓછા કેસની જાણકારી આપી છે.
ધ ઈકોનોમિસ્ટના મોડેલ અનુસાર, ચીનમાં કોરોનાથી 4636 નહીં પરંતુ લગભગ 17 લાખ લોકોનાં મોત થયા છે.
આ આંકડા ભારતમાં થયેલા મોતથી લગભગ ચાર ગણો અને અમેરિકમાં થયેલા મોતથી બે ગણો વધુ છે.
ખાસ વાત એ છે કે ચીનના અનુસાર, તેને ત્યાં કોરોનાથી થયેલા 97% મોત એકલા હુબેઈ પ્રાંતના વુહાનમાં જ થયા છે અને એ પણ 90 દિવસની અવધિ (1 જાન્યુઆરી 2020-31 માર્ચ 2020) દરમિયાન. ચીને 1 એપ્રિલ 2020 પછીથી વુહાન સાથે સંકળાયેલો ડેટા આપવાનું જ બંધ કરી દીધું.
ચીનના અનુસાર, હુબેઈ અને આસપાસના વિસ્તારોમાં માત્ર 90 દિવસની અવધિમાં કોરોનાથી 4512 મોત થયા.
એપ્રિલ 2020 પછી રહસ્યમય રીતે કોરોના ચીનથી ગાયબ થઈ ગયો અને તેના પછીના બે વર્ષમાં દોઢ અબજની વસતી વાળા આ દેશમાં કોરોનાથી માત્ર 124 વધુ લોકોનાં જ મોત થયા.
ચીનમાં અત્યાર સુધી કોરોનાના માત્ર 1 લાખ 5 હજાર 411 કેસ જ સામે આવ્યા છે, જ્યારે અમેરિકામાં 6 કરોડ 98 લાખથી વધુ કેસ અને ભારતમાં 3 કરોડ 82 લાખથી પણ વધુ કોરોના કેસ મળી ચૂક્યા છે.
સૌથી વધુ કોરોના સંક્રમિત દેશોની યાદીમાં હવે અમેરિકા પ્રથમ અને ભારત બીજા ક્રમે છે, જ્યારે કોરોનાની ઉત્પત્તિવાળો દેશ ચીન 118મા સ્થાને પહોંચી ગયો છે.
ચીનની વુહાન લેબથી કોરોના વાયરસ લીક થયાની થિયરીને નકારવાની કોશિશ ભલે અનેક રિપોર્ટસમાં કોરોના વાયરસની ઉત્પત્તિનું કારણ ચીનના વુહાન લેબને માનવામાં આવ્યું હોય પરંતુ ચીન હંમેશા કોરોના વાયરસનો જનક દેશ હોવાના દાવાને નકારતું આવ્યું છે.
વાસ્તવમાં, ચીન અગાઉ પણ એવો દાવો કરતું રહ્યું છે કે કોલ્ડ-ચેઈન આયાત જેમકે ફ્રોઝન મીટ અને માછલીઓથી કોરોના ફેલાઈ શકે છે. જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) આવા કોઈ જોખમને નકારી ચૂકી છે.
ચીન આ અગાઉ પણ 2020માં બેઈજિંગમાં વિદેશથી આયાત થનારી સેમન માછલીને કાપવા માટે ઉપયોગમાં લેવાતા બોર્ડને સ્પર્શવાથી કોરોના ફેલાવાનો દાવો કરી ચૂક્યું છે. ચીન પોતાના સ્ટેટ મીડિયા દ્વારા એવું નેરેટિવ પણ રચી ચૂક્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યો એ પહેલાથી જ વાયરસ વિદેશોમાં હતો.
0 ટિપ્પણીઓ