NCPના 1 MLA સહિત શિવસેનાના 30થી વધુ બળવાખોર ધારાસભ્યોના સુરતમાં ધામાં, મહારાષ્ટ્ર ભાજપના 1 ધારાસભ્ય હોટલ પહોંચ્યા.
મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના એક ધારાસભ્ય સંજય કૂટે હોટલ પહોંચ્યા છે. જે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળશે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
કયા કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?
- શહાજી બાપુ પાટીલ
- મહેશ શિંદે સતારા
- ભરત ગોગવળે
- મહેન્દ્ર દળવી
- મહેશ થોરવે
- વિશ્વનાથ ભોઈર
- સંજય રાઠોડ
- સંદીપાન ભૂમરે
- ઉદયસિંહ રાજપૂત
- સંજય શિરસાઠ
- રમેશ બોરણારે
- પ્રદીપ જયસ્વાલ
- અબ્દુલ સત્તાર
- તાનાજી સાવંત
- સુહાસ કાંદે
- પ્રકાશ અબીટકર
- પ્રતાપ સરનાઈક
- ગીતા જૈન
- શ્રીકાંત શિંદે
- રાજન વિચારે
- બાલાજી કેકનિકર
- ગુલાબરાવ પાટીલ
- શંભુરાજ દેસાઈ
- ચિંતામણ વણગા
- અનિલ બાબર
- જ્ઞાનેશ્વર ચૌગુલે
- રાયમૂલકર
- લતા સોનવણ
- યામિની જાધવ
- નીતિન દેશમુખ બાળાપૂર.
હોટલમાં 25થી વધુ રૂમ બુક કરાવ્યા
મહારાષ્ટ્રની સરકાર સામે સંખ્યાબળ ભેગું કરવા ભાજપ દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરિડિયન હોટલમાં રાખવા માટે 25થી વધુ રૂમ બુક અગાઉથી કરાવવામાં આવ્યા હતા. સી.આર.પાટીલ સુરતમાં ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યોને મળીને વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
રાજકીય ઊથલપાથલનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 30થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. બપોર બાદ એકનાથ શિંદે મીડિયાને સંબોધન કરે તેવી શક્યતા છે.
સતત થઈ રહેલી ઉપેક્ષાથી શિંદે નારાજ
શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે. તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી.
એનસીપી અધ્યક્ષ ઉદ્ધવને મળ્યા, સંજય રાઉતનો દિલ્હી પ્રવાસ સ્થગતિ
રાજકીય ઉથલપાથલના પગલે એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર બેઠકમાં ભાગ લેવા જવાના હતા.
રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણી પછી નારાજ છે
જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યા હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.
0 ટિપ્પણીઓ