Breaking News

3/recent/ticker-posts

ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સફળ. ગુજરાતનાં દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુજરાત ATSએ વધુ એકવખત મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

DRUGS-IN-GUJARAT


ICG અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી. ICGની બે ફાસ્ટ એટેક બોટોએ ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. IMBL નજીકથી આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પંજાબની જેલમાં બંધ નાઈઝિરિયને આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.


Harsh-Sanghavi


અમે ડ્રગ્સનું નેટવર્ક તોડતા રહીશું: હર્ષ સંઘવી

નોંધનીય છે કે હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.


ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે: હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, 'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે. કલકતામાં DRI સાથે મળીને 39 કિલો 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે ડ્રગ્સ પકડે છે એટલે પકડાય છે, ગુજરાત જ નહીં અનેક રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડ્યું છે. ગુજરાત પોલીસ કેન્દ્રની એજન્સી સાથે મળીને કામગીરી કરી રહી છે. ગુજરાત ATS એજન્સીઓ સાથે મળી પાકિસ્તાન બોર્ડર ઉપર કામગીરી કરી રહી છે.


પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય: સંઘવી

ડ્રગ્સ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, 'ડ્રગ્સ જેવા મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં. ડ્રગ્સની રકમ ક્યાં ઉપયોગ થાય છે એ સૌ જાણે છે. પોલીસની કામગીરી કેટલાકને પેટમાં દુ:ખે છે. પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય. દિલ્હી પોલીસ સાથે ગુજરાત પોલીસે 1 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. પંજાબમાં જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હતું. આથી પંજાબ પોલીસને પંજાબમાં ચાલતા નેટવર્ક અંગે માહિતી અપાઈ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ